મા, મને લેવા આવીશ ને? પલ્લવી
જિતેંદ્ર મિસ્ત્રી.
જ્યારે જ્યારે ‘મા’ ની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને
તું ખુબ યાદ આવે છે મા,
ધીમો ધીમો તો પણ સ્પષ્ટ અને મીઠો, વાત્સલ્ય સભર સાદ એક સંભળાય છે.
હું એટલી નાની નથી કે મારી સવાર તારા વગર ન પડે કે સાંજ તારા વગર ન ઢળે,
પણ હું પાછી એટલી મોટી પણ નથી કે ‘મા’ની વાત નીકળે અને મારા આંસુ ન નીકળે.
મેં જોરશોરથી તારી સાથે બચપણમાં જે કરી છે અને તેં શાંતિથી સાંભળી છે મા,
એ તમામ દલીલો ખુદ મા બન્યા પછી, તારી ક્ષમાયાચના સાથે હું પાછી ખેંચુ છું.
અનિમેષ નયને મારા આવવાની રાહ જોતી અને સોફામાં બેસી ઘડિયાળ નિહાળતી મા,
ટ્રેન મોડી છે કે? હજી કેમ ન આવી? પૂછીને અધીર બનેલા
મનને માંડ માંડ વાળતી તું.
મને નિશાળે મૂકવા આવતી અને મારી નજર ચૂકાવીને ચુપચાપ ચાલી જતી તુ મા,
અંતે પણ તેં એવું જ કર્યું ને મા, મારી નજર ચુકાવીને તું ચાલી નીકળી મહાપ્રયાણે.
પણ નિશાળ છૂટવા ટાણે તું મને કાયમ લેવા આવતી ને હું દોડીને તને વળગી પડતી,
મારે તને ફરીથી વળગવું છે, મારી જિંદગી છૂટ્યાની
વેળાએ મને લેવા આવીશને મા?
No comments:
Post a Comment