હું હોઈશ જ... હંમેશા-હંમેશા.
પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.
કદાચ હું કાલે નહીં
હોઉં
કાલે જો દૂધવાળો
આવે તો કહેજો કે...
એની કૂપન ઉપર એક
લિટર દૂધ લેવું હજી બાકી છે...
કાલે જો ધોબી ડોકાય
તો કહેજો કે...
એણે સિફતપૂર્વક
ચોરી લીધેલા પેન્ટના પૈસા ચૂકવવા બાકી છે...
કાલે જો શાકવાળો
બરકે તો કહેજો કે...
મારા તપેલામાં કડક
થઈ ગયેલા કાળમીંઢ વેંગણના
ભડથાના ચૂરેચૂરા
કરવા બકી છે...
કાલે જો ઘરઘાટી
ઝળકે તો કહેજો કે...
એના બળુકડા હાથે
ઘસાઈને ભાગી છૂટવા
એક ચાદરનો મેલ હજી
તરફડે છે…
કદાચ હું કાલે નહીં
હોઉં, તો...
મારાં પતિ અને બાળકોને
કહેજો કે...
ગેસનો નોબ અને
સોલારનો કોક બંધ કરવા બાકી છે...
કદાચ હું કાલે નહીં
હોઉં તો... તો ? તો ?
પણ હું શા માટે
કાલે નહીં હોઉં ?
હું તો હોઈશ જ...
તારાના તેજમાં, શિશુના સ્મિતમાં,
પુષ્પની સુગંધમાં, સ્વજનોના દિલમાં,
અહીં-તહીં, અત્ર-તત્ર-સર્વત્ર...બધે જ...
કાલે, પરમ દિવસે, એ પછીના દિવસે…
હું હોઈશ
જ...હંમેશા...હંમેશા...હંમેશા.
(પેરોડી.) (મૂળ
પંક્તિ: કદાચ હું કાલે નહીં હોઉં: સુરેશ. હ. જોષી)
No comments:
Post a Comment