Tuesday, 23 May 2017

બાકી છે.....        જિતેન્દ્ર સી. મિસ્ત્રી.
શાંત કોલાહલમાં  નિનાદ બાકી છે, ખિન્ન વાતાવરણમાં તારી યાદ બાકી છે,
આ  બન્ને  ને જોડતા અંતર મહીં, ના પૂરાય  એવો અવકાશ  બાકી છે.
મારા ઉદાસ ચિત્તનો ઉન્માદ બાકી છે, મુરઝાયેલા પુષ્પનો નિશ્વાસ બાકી છે,
આ બંનેના બિમ્બના આધાર પર, એમના પ્રતિબીંબનો અંદાઝ બાકી છે.  
અધખીલ્યા ફૂલની સુવાસ બાકી છે, પ્યારને આવકારતો એકરાર બાકી છે,
આવા રૂપનો આપણે ઈંતઝાર કરીએ, એમના અસ્તિત્વનો આકાર બાકી છે.
આવતી વસંતની બહાર બાકી છે, એની યાદનો મીઠો રણકાર બાકી છે,
બહારની યાદ અને યાદની બહારમાં, અટવાતો આ મારો શ્વાસ બાકી છે.
સૂર્ય અને ચંદ્રનો પ્રવાસ બાકી છે, જીવનની મંઝીલનો થાક બાકી છે,
ધુરા પર ફરતી આ ધરા પર, આપણા મિલનનો અવસર  બાકી છે.
વીતેલી જીંદગીનો  અવસાદ બાકી છે, ખરેલા પર્ણનો ખખડાટ બાકી છે,
હું તને  હવે વધારે તો શું કહું? મારા આ સંદેશનો સંવાદ બાકી છે.  



Friday, 19 May 2017

મા, મને લેવા આવીશ ને?      પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

જ્યારે જ્યારે મા ની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને તું ખુબ યાદ આવે છે મા,
ધીમો ધીમો તો પણ સ્પષ્ટ અને મીઠો, વાત્સલ્ય સભર  સાદ એક સંભળાય છે.

હું એટલી નાની નથી કે મારી સવાર તારા વગર ન પડે કે સાંજ તારા વગર ન ઢળે,
પણ હું પાછી એટલી મોટી પણ નથી કે માની વાત નીકળે અને મારા આંસુ ન નીકળે.

મેં જોરશોરથી તારી સાથે બચપણમાં જે કરી છે અને તેં શાંતિથી સાંભળી છે મા,
એ તમામ દલીલો ખુદ મા બન્યા પછી, તારી ક્ષમાયાચના સાથે હું પાછી ખેંચુ છું. 

અનિમેષ નયને મારા આવવાની રાહ જોતી અને સોફામાં બેસી ઘડિયાળ નિહાળતી મા,
ટ્રેન મોડી છે કે? હજી કેમ ન આવી? પૂછીને અધીર બનેલા મનને માંડ માંડ વાળતી તું.

મને નિશાળે મૂકવા આવતી અને મારી નજર ચૂકાવીને ચુપચાપ ચાલી જતી તુ મા,
અંતે પણ તેં એવું જ કર્યું ને મા, મારી નજર ચુકાવીને તું ચાલી નીકળી મહાપ્રયાણે.

પણ નિશાળ છૂટવા ટાણે તું મને કાયમ લેવા આવતી ને હું દોડીને તને વળગી પડતી,
મારે તને ફરીથી  વળગવું છે, મારી જિંદગી છૂટ્યાની વેળાએ મને લેવા આવીશને મા?






  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...