Tuesday, 20 June 2017

બાળપણની મીઠી  યાદ આવે.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.


શિયાળે રજાઈ ઓઢવા કાઢું ત્યારે,
  ટ્યુબ લાઈટના નાના નાના ટીપાં જેવી.
ઝીણી ઝીણી મજાની લાઈટ ઝબુકે,
  મને બાળપણના વતન વગડાઉ ગામના,
રાત્રે ઝબુકતા આગિયા યાદ આવે.
  રાઈસ મિલમાં ચોખા અંદરની રૂમમાં અને,
બહાર ચોકમાં નીકળતા કુસકીના ઢગલા પર,
  બારીના છજ્જા પરથી ભાઈનો હાથ પકડીને,
બંધ આંખે મારેલા ધબાક  ભૂસકા યાદ આવે.
  હાથલારીમાં ના..ના..કરતા નાનાભાઈને બેસાડી,
કોલોની આખીમાં ઝડપભેર ફેરવેલો તે અને,
  ઇંટોથી કાચા ચણેલા ઘરમાં ઘાસ સળગાવીને,
બહેનપણીઓ સાથે રાંધેલા રોટલા યાદ આવે.
  હાઈવે પરથી પસાર થતી ટ્રકોની લાઈટમાં,
મકાનની દીવાલ પર દોડી જતા લાંબા પડછાયા,
  ખેતરો-વાડીઓમાં અમારી વાનરસેનાની કૂચ અને,
માલિકની નજર બચાવીને ચોરેલી કેરીઓ યાદ આવે.
  બચપણની આ અવિરત યાદ છતાં મોટપણમાં,
મારા જ  દીકરાઓને માટેના મારા કડક નિયમો,
  દોડાદોડી ન કરવી, રસ્તા પર ન રમવું, ચોરી ન કરવી,
ખોટું ન બોલવું, આમ ન કરવું અને તેમ  ન કરવું,
 બાળપણમાં બધાં આમ જ કરે, માટે ચિંતા છોડ,
અને તેં લીધી એવી થોડી છૂટ એને પણ લેવા દે જેથી,
 ખજાના જેવી બાળપણ ની મીઠી યાદ એને પણ આવે.




Friday, 16 June 2017

હાઈકુ.     જીતેન્દ્ર સી. મિસ્ત્રી.

- કોણ કહે છે
   અમે એકલાં ? 
    દુઃખ ખડા ચોપાસ.
   ૨-ગતિ સૂચક
     ઘડિયાળનો કાંટો
     પ્રગતીહીન.
      -ચંદરમા ના
        આંસૂ લૂછે સૂરજ
        તડકો બની.
        ૪-સોણલું તવ
           યાદ તણું સ્મરીને
           હું મરી જાઉ.
          ૫-વિદાય ગાડી
            ગઈ તે છોડી બાષ્પ
             હવે આંખમાં.
             ૬-જોઈ નવોઢા
               લજામણીનો છોડ

               હસી પડે છે. 

Tuesday, 13 June 2017

થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે........              પલ્લવી જે.મિસ્ત્રી.

જીતુનું શરીર ઘણું જ તૂટે છે, થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
રાત્રે તો સમયસર સૂએ છે, જીતુ. છતાંય સવારમા સમયસર ઊઠવાનું એને ઘણું  જ કઠે છે,
થોભ પલ્લવી, જીતુ  થોડી જ વારમાં ઊઠે છે.
શિયાળે પંખો કે ઊનાળે એ.સી. ઓન કરે જો પલ્લવી, તો જીતુની એમાં ય હઠે છે,
થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
રવિવારે કે રજાના દિવસે ભલે જલદી ઊઠે પલ્લવી, જીતુને તો મોડા ઊઠવાની મજા પડે છે,
થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
આમ તો કિશોર-મુકેશ-રફી જીતુના ગળામાં હરદમ વસે છે, પણ....
રાત્રે દસ પછી જો પલ્લવી રેડિયોની સ્વીચ ઓન કરે તો, જીતુને ચીઢ ચઢે છે,
થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
આખો વખત મોબાઇલ લઈને ફરે કે વાતો કરતો રહે ભલે જીતુ,
પણ...રાત્રે સૂતા પછી જો માબાઇલની રિંગટોન બજે તો જીતુને ઘણું જોર પડે છે,
થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
મોર્નિંગ વોક લેવા માટે તો જીતુને સવારે વહેલાં ઊઠવું જ પડે છે,
થોભ પલ્લવી, જીતુ થોડી જ વારમાં ઊઠે છે.
................................................................................................................................



Tuesday, 6 June 2017

હું હોઈશ જ... હંમેશા-હંમેશા.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો દૂધવાળો આવે તો કહેજો કે...
એની કૂપન ઉપર એક લિટર દૂધ લેવું હજી બાકી છે...
કાલે જો ધોબી ડોકાય તો કહેજો કે...
એણે સિફતપૂર્વક ચોરી લીધેલા પેન્ટના પૈસા ચૂકવવા બાકી છે...
કાલે જો શાકવાળો બરકે તો કહેજો કે...
મારા તપેલામાં કડક થઈ ગયેલા કાળમીંઢ વેંગણના
ભડથાના ચૂરેચૂરા કરવા બકી છે...
કાલે જો ઘરઘાટી ઝળકે તો કહેજો કે...
એના બળુકડા હાથે ઘસાઈને ભાગી છૂટવા
એક ચાદરનો મેલ હજી તરફડે છે
કદાચ હું કાલે નહીં હોઉં, તો...
મારાં પતિ અને બાળકોને કહેજો કે...
ગેસનો નોબ અને સોલારનો કોક બંધ કરવા બાકી છે...
કદાચ હું કાલે નહીં હોઉં તો... તો ? તો ?
પણ હું શા માટે કાલે નહીં હોઉં ?
હું તો હોઈશ જ...
તારાના તેજમાં, શિશુના સ્મિતમાં,
પુષ્પની સુગંધમાં, સ્વજનોના દિલમાં,
અહીં-તહીં, અત્ર-તત્ર-સર્વત્ર...બધે જ...
કાલે, પરમ દિવસે, એ પછીના દિવસે
હું હોઈશ જ...હંમેશા...હંમેશા...હંમેશા. 

(પેરોડી.) (મૂળ પંક્તિ: કદાચ હું કાલે નહીં હોઉં: સુરેશ. હ. જોષી)


Friday, 2 June 2017


એકાંત:      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

આ એકાંત જોને કેવું મને રડાવે છે,
દિલને તારી યાદ સતાવે છે.
તું તો મારા દિલનો-જિગરનો ટુકડો,
તેથી જ તો ભાગ લાગણીઓમાં પડાવે છે.
તને યાદ કરું ને તું સપનામાં મારા આવે,
એ સંજોગ મનને ખુબ શાતા અપાવે છે.
આમ તો હું છું તારા થકી સભર-સભર,
પણ શ્રેય  એનું તું મને જ અપાવે છે.
હવા-પાણી-ઉજાસ-એશો-આરામ-હિંચકો.
કબુતરોની આવ-જા અને ચકી-ચકો,
સરસ મજાના આ ઘરમાં બધું જ છે,
છતાં ય તારી દૂરી આંખમાં પાણી લાવે છે.
આમ તો આ વતન છે અહીં પોતાના મનેખ છે,
અને એમની વચાળે મને ઘણું ય ફાવે છે.
છતાં રાહ જોઉં છું તારી જ કહેને મને,
તારો હમેશનો થનગનાટ લઈને ક્યારે આવે છે?
ભરપૂરતા વચ્ચે દિલનો એક ખૂણો ખાલી છે,
એ ભરવાને કહે ને તું ક્યારે આવે છે?
આ એકાંત જો ને કેવું મને રડાવે છે,
દિલને તારી યાદ સતાવે છે.


  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...